મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં ચાર અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં બે લોકોના અલગ-અલગ સ્થળોએ ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. જયારે એક યુવકનું શંકાસ્પદ રીતે તેના રહેણાંક સ્થળે મોત નીપજ્યું હતું. તો એક અજાણ્યા શખ્સનો લુટાવદર ગામ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રથમ બનાવમાં, જવાહર સોસાયટી મોરબી-૨ ખાતે રહેતા હર્ષદભાઇ જીતેન્દ્રભાઇ સનારીયા નામના કિશોરને ગઈકાલે બોધનગર ફીલ્ટર હાઉસ પાસે પાણી ભરેલ ખાડામા ડુબી જતા તેને તાત્કાલિક બહાર કાઢી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેને પ્રાથમિક સરવર મળે તે પહેલા જ કિશોરનું મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબીના સવીનો સીરામિક બેલા ખાતે રહેતા ક્રિષ્ના મુગાભાઈ ચામ્ટીયા નામના શખ્સનો સવીનો સીરામિકની ઓરડીમા કોઈ કારણોસર મૃતદેહ મળી આવતા તેને સ્થાનિકો દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી અકાળે મોતની નોંધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરાવેલ હતી.
ત્રીજા બનાવમાં, લુટાવદર ગામની સીમ ઈટાલવાવુડ કારખાનાની પાછળ થોડે દુર બાબુ દેવકરણ ગામીના ખેતરમા ગઈકાલે એક અજાણ્યા પુરુષની કોહવાઈ ગયેલી લાશ મળી આવેલ હતી. જેની અમીતભાઈ રતનશીભાઈ ગામી નામના શખ્સે પોલીસે જાણ કરતા તેઓએ સ્થળ પર પહોંચી લાશનો કબ્જો મેળવી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે તેઓને જાણવા મળેલ કે મૃતકનું નામ ભરતભાઈ મોતીભાઈ રાઠોડ છે અને તેઓ જુના ખારચીયાના રહેવાસી છે. તેથી મોરબી તાલુકા પોલીસે સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોથા બનાવમાં, ટંકારાના બલપુર અંજલી ઓઈલ મીલ ખાતે રહેતી મૂળ દાહોદની ૦૫ વર્ષીય બાળકી ઊર્વીશા દિપકભાઈ રાઠોડ ગઈકાલે જબલપુર પાસે આવેલ પાણી ના તળાવમા પડિ જતા ડુબી જતા તેને તાત્કાલિક બહાર કાઢી તેના પરિવારજનો દ્વારા તેને ટંકારા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.