મોરબી પોલીસે જુગાર અંગેની બાતમીને પગલે બે સ્થળોએ દરોડા પાડી પત્તા ટીંચતા સાત શકુનીશિષ્યોને ઝડપી લઈ કાયદાના પાઠ ભણાવ્યા હતા. પોલીસે જુગારીઓના કબજામાંથી રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી આદરી છે.
મોરબીમા આવેલ સુપર માર્કેટ કોમ્પ્લેક્ષના ધાબા પર જુગારની જોરદાર જમાવટ જામી હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે તાબડતોબ જુગારની મહેફિલમાં ત્રાટકી રોન કાઢતા નાસભાગ મચી ગઇ હતી આ દરમિયાન સુપર માર્કેટ કોમ્પ્લેક્ષના ધાબા પર પતા ટીંચતા દેવકરણ આંબા ભાડજા, હરજીવન છગન સાદરીયા, દેવરાજ રામજી વીલપરા અને મનસુખ અંબારામ દેત્રોજા પોલીસ ઝપટે ચડી ગયા હતા જેને પોલીસે દબોચી લઈ શકુની શિષ્યોની તલાશી લેતા તેના કબ્જામાંથી રોકડા રૂપીયા.૬૧,૫૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો જે કબ્જે કરી પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.
આ ઉપરાંત જુગાર અંગે બીજો એક દરોડો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે કાવેરી સીરામીક પાછળ શક્તિનગર વિસ્તારમાં પડ્યો હતો જ્યા જાહેર રોડ પર જુગાર રમતા ત્રણ શખ્સોને રંગે હાથ ઝડપી પડ્યા હતા. પોલીસે જુગાર રમતા દિલાવર ઉર્ફે ભીચુ કાસમ કટીયા, જુસબ ઉર્ફે જુસો મામદ મોવર અને જયંતિ દેવજી શ્રીમાળીને જુગાર રમતા ઝડપી લઈ તમામના કબ્જામાંથી રૂ.૩૯૫૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસનરી કાર્યવાહી હાથ ધરી હતી.