મોરબીમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ વચ્ચે ફરી એકવાર મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક એક યુવકને બે શખ્સો દ્વારા ગાળો આપી બેફામ ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે, જેમાં નાના ભાઈએ લીધેલા ઉંચા વ્યાજે રૂપિયા મોટાભાઈએ પરત કરવાનું સ્વીકારીને આપેલ સમયની અવધિ પ્રમાણે રૂપિયા પરત ન આપી શકેલ મોટાભાઈને બે વ્યાજખોર દ્વારા જાહેરમાં ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને ઈસમો સામે ભોગ બનનાર યુવક દ્વારા સીટી એ ડિવિઝન મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ તથા મનીલેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર કામધેનુ બાયપાસ રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસોસાયટી શેરી નં.૩ માં રહેતા દશરથભાઇ સુરેશભાઇ ડાભી ઉવ.૨૧ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી દિવ્યેશ રબારી તથા વિશાલ રબારી રહે બંને શનાળા તા.જી.મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી. દશરથભાઈ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ દશરથભાઇના ભાઈ જયેન્દ્રએ આરોપી દિવ્યેશ રબારી પાસેથી બે મહીના પહેલા રૂ.૪૦,૦૦૦/- ઉંચા વ્યાજે નાણા લીધેલ હોય જે રૂપીયાના બદલામાં દશરથભાઇના ભાઈ જયેન્દ્રભાઇએ આરોપીને રૂ.૩૦,૦૦૦/- પરત આપી દીધેલ હોવા છતા તેની પાસે હજુ વધારાના રૂ.૮૦,૦૦૦/- ની પઠાણી ઉઘરાણી કરતા હોય જે બાબતે દશરથભાઈને જાણ થતા આરોપી દિવ્યેશભાઈને ફોન કરી પોતાની લેણી નીકળતી રકમ એક મહીના પછી આપી દેશે તેમ કહેલ હતું પરંતુ દશરથભાઈ પાસે રૂપિયાની ન હોવાથી આપેલ સમય મર્યાદામાં રૂપિયા પરત ન આપતા રૂપીયા ન હોવાથી જે બાબતનો ખાર રાખી ગત તા.૨૬/૦૪ના રોજ દશરથભાઈ કોઈ કામ સબબ નવા બસસ્ટેન્ડ ગયેલ હોય ત્યારે આરોપી દિવ્યેશ રબારી તેમજ વિશાલ રબારીએ દશરથભાઈને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મુજબની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ તેમજ મનીલેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.