મોરબીમાં ગઈકાલે વધુ બે લોકોના અકાળે મોત નિપજ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. જેમાં મોરબી લીલાપર રોડ ફિલ્ટર હાઉસ મેલડી માતાના મંદીર સામે ફિલ્ટર હાઉસના પાણીના હોજમાં નાહવા પડેલ એક આધેડનું ડૂબી જવાથી તો વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા ને.હા. રોડ પાસે કેરાળા બોર્ડ પાસે એક્ટીવા અકસ્માતે નાલામાં ખાબકતા યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવમાં, મોરબી લીલાપર રોડ પાજરા પોળ ગૌશાળા સામે રહેતા દીલીપભાઈ ગણપતદાસ અગ્રાવત નામના આધેડ ગઈકાલે બપોરના સમયે લીલાપર રોડ ફિલ્ટર હાઉસ મેલડી માતાના મંદીર સામે ફિલ્ટર હાઉસના પાણીના હોજનાં પાણીમાં ન્હાવા પડ્યા હતા. જ્યાં તેઓનું અગમ્ય કારણોસર ડુબી જવાથી મોત નીપજ્યું હતું. ત્યારે સ્થાનિકોએ તેમના મૃતદેહને બહાર કાઢી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને લાશને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં, વાંકાનેરનાં ભોરણીયા શેરી પ્રતાપ રોડ ખાતે રહેતા ઈરફાનભાઈ યુનુસભાઈ હેરંજા નામના યુવક ગત તા.૧૮/૦૪/૨૦૨૩ ના રાત્રીના સમયે વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઇવે રોડ પાસેથી પોતાનુ GJ-03-EK-0074 નંબરનુ એક્ટીવા લઈ પસાર થઇ રહ્યા હતા. ત્યારે કેરાળા બોર્ડ પાસે આવેલ નાલા પાસે કોઈ કારણસર એક્ટીવા સહિત પડી જતા તેઓ નાલા નીચે પાણી ભરેલ ખાડામા પડી જતા મોઢાનો ભાગ પાણીમા ડુબી જતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે બનાવને પગલે વાંકાનેર સીટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી આદરી હતી.