મોરબી જિલ્લામાં જૂન મહિનામાં સમયસર મેઘરાજાનું આગમન થયું હતું. જો કે છૂટોછવાયો જ વરસાદ થતાં વાવણી થઈ શકી ન હતી. જો કે જુલાઈ મહિનામાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો અને હરખ સાથે વાવણી કરી જુલાઈ મહિનામાં તેમજ ઓગસ્ટમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે મોરબી જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જેને કારણે મચ્છુ-1 61.21%, મચ્છુ-2 59.88%, ડેમી-1 53.40%, ડેમી-2 84.86 %, ઘોડાધ્રોઇ 100%, બંગાવડી 85.7%, બ્રાહ્મણી 30.58%, બ્રાહ્મણી-2 57.32, મચ્છુ-3 85.11 અને ડેમી-3 85.31% ભરાયા હતા.
રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ પાસેથી પ્રાપ્ત થતી રાજકોટ હસ્તકના જળાશયોની વિગતો અનુસાર, મચ્છુ-1ની કુલ ઉંડાઈ 42 ફૂટ છે. જે હાલ 36.10 ફુટ જેટલું ભરાઈ ગયેલ છે. જયારે મચ્છુ-2ની ની કુલ ઉંડાઈ 33 ફુટ છે. જે હાલ 26 ફુટ ભરાઈ ગયેલ છે. તેમજ ડેમી-1 ડેમ 23 ફુટ સામે 16.80 ફુટ ભરાઈ ગયેલ છે. તેમજ 19.70 ફુટ ઊંચાઈવાળું ડેમી-2 ડેમ 18.40 ફુટ ભરાયેલ છે. જયારે ઘોડાધ્રોઇ ડેમ તેની કુલ સપાટીને ઓળંગી ગયું છે. જયારે બંગાવડીમાં 15.50 ફૂટની સપાટી છે જે 14.40 ફુટએ પહોંચી ગઈ છે. તેમજ 27 ફુટની સપાટી ધરાવતા બ્રાહ્મણી ડેમમાં હાલ 14 ફુટ જેટલું પાણી ભરાઈ ગયું છે. જયારે બ્રાહ્મણી-2 માં 17.60 ફૂટની સપાટી છે. જેમાં હાલ 12.60 ફુટ જેટલું પાણી ભરાઈ ગયેલ છે. તેમજ મચ્છુ-3ની 2.80 ફુટ સપાટી સામે 18.50 ફુટ પાણી ભરાયેલ છે. જયારે ડેમી-3 ડેમ 13.00 ફુટની સપાટી ધરાવે છે. જેમાંથી ડેમમાં 11.60 ફુટ પાણી ભરાયું છે.