અનેક ઉત્સવોની અનોખી ઉજવણી થકી મૂલ્યશિક્ષણ સિંચન તરીકે આગવું સ્થાન ધરાવતી હળવદ તાલુકાની મેરૂપર પેસેન્ટર શાળામાં દિપોત્સવ સ્નેહમિલન વાનગી હરિફાઇ દિવાળીકાર્ડ હરીફાઈ તથા વેક્સિનેશન વૉરિયર્સને સન્માનિત કરવાના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
દીવાળીનાં આગમન પહેલા મેરૂપર પેસેન્ટર શાળામાં બાળકોમાં સામાજીક સમરસતા કેળવાય અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના નિર્માણ થાય તે હેતુથી ગામના તમામ વિદ્યાર્થીઓ દ્વારા ઘરેથી મીઠાઇ બનાવી લાવી કેજીબીવીની દિકરીઓ અને વાડીમાંથી આવતા બાળકોને મોં મીઠું કરાવી સ્નેહમિલન કરવામાં આવ્યું હતું. આ વાનગીઓની હરીફાઈ યોજી વિજેતા વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વધૂમાં દિવાળી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓએ ઘરેથી બનાવેલ વેસ્ટમાંથી બેસ્ટ દિવાળી કાર્ડની હરિફાઇ યોજી વિજેતા વિદ્યાર્થીઓને શાળા દ્વારા સન્માનિત કરાયા હતા.
એટલું જ નહિ કોરોના મહામારીમા સાવચેતીનાં પગલાં માટેનું તથા રસીકરણ માટે મેરુપર પે સેન્ટર શાળાએ પોસ્ટર અભિયાન તથા શાળા દ્વારા જ શોર્ટ ફિલ્મ બનાવી જન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગના કર્મચારીઓની અડગ હિંમત , ફરજનિષ્ઠા અને તેમને સખત પરિશ્રમ ફળસ્વરૂપે ૧૦૦ કરોડ લોકોને વેક્સિનેશન આપવાનો માઇલ સ્ટોન પુરો થયો છે. ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી અને કોરોના વેક્સિનેશન વોરિયર્સને સન્માનિત કરવાં અને તેમનાં ઉત્સાહમા વધારો કરવાં મેરુપર પે.સેન્ટર શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ બનાવી 100 નો અંક બનાવી અનોખી રીતે બિરદાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તમામ આરોગ્ય કર્મચારીઓની કામગીરી અંગેની શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતિ આપવામાં આવી હતી.ગામના સરપંચ,એસ.એમ.સી અધ્યક્ષ તથા સી.આર.સી કોર્ડીનેટર ઉપસ્થિત રહી શાળા પરિવારને તથા કોરોના વેક્સિનેશન વોરિયર્સને બિરદાવ્યા હતા.