રાજ્યમાં ગત કેટલાય વર્ષોથી ખાણ ખનીજ વિભાગમાં ચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, પરંતુ સરકાર ચોરીના કિસ્સાઓને ડામવામાં નિષ્ફળ રહી છે. ત્યારે વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં 3778 મેટ્રિક ટન ખનીજ ચોરી કરવા બદલ ખાણ ખનીજ વિભાગ દ્વારા આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, જીવાપર નેસ, લુણસર સર્વે નં.૭૮૩/૧ પૈકી ની સરકારી પડતર જગ્યામાં સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતા વેલાભાઇ નારણભાઇ સાટીયા નામનો શખ્સ તેના સાથીઓ સાથે ખનીજ ચોરી કરતો હતો. જેની જાણ થતા જ ખનીજ વિભાગના અધિકારીઓએ સ્થળ પર દરોડા પાડી આરોપીએ એસ્કેવેટર મશીન નં.HYNDN633KE0005550 ના વાહનથી બનાવવાળી જગ્યાએ ગેરકાયદેસર કોઈ પાસ પરમીટ કે લીઝ મંજૂરી વગર ખોદકામ કરી ૩૭૭૮.૮૯ મેટ્રીક ટનની ખનીજ ચોરી તથા પર્યાવરણીય નુકશાની વળતરની રકમ મળી કુલ રૂ.૧૨,૨૮,૮૦૪/- ની ખનીજ ચોરી કરતા સમગ્ર મામલે રોયલ્ટી ઇન્સ્પેકટર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલ તમામ આરોપીઓની અટકાયત કરવાની બાકી છે.