હિન્દુ ધાર્મિક ચિહ્નોને લગતા નિયમોના પરિપત્રને લઈ ઉગ્ર રજૂઆત, કાર્યકર્તાઓએ કર્મચારીઓને તિલક કરીને વિરોધ વ્યક્ત કર્યો.
મોરબી સહિત દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા લેન્સકાર્ટ કંપનીના માલીક દ્વારા જણાવાતા ધાર્મિક ચિહ્નોને લગતા નિયમોના પરિપત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સંગઠનના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે કંપની દ્વારા હિન્દુ કર્મચારીઓને તિલક, શિખા, કલાવા અને મહિલાઓને બિન્દી ન લગાડવા જેવા સૂચનો સાથે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું, જે હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. આ મુદ્દે હિન્દુ સમાજને જાગૃત કરવા અને વિરોધ દર્શાવવા મોરબી વિહિપ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ મોરબી સ્થિત લેન્સકાર્ટના શોરૂમ ખાતે જઈ કર્મચારીઓને તિલક કરીને વિરોધ કર્યો હતો.
મોરબી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ મોરબી પ્રખંડ દ્વારા ગઈકાલે સાંજે રવાપર રોડ પર આવેલ લેન્સકાર્ટના શોરૂમ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કંપનીના માલીક પિયુષ બંસલ તરફથી એવા નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં તેમના શોરૂમમાં હિન્દુ કર્મચારીઓને તિલક ન કરવું, શિખા ન રાખવી, હાથમાં કલાવા ન બાંધવા તેમજ મહિલાઓને બિન્દી ન લગાડવા જેવા સૂચના સાથે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું. જ્યારે અન્ય ધર્મના કર્મચારીઓને હિઝાબ માટે છૂટ આપવામાં આવી છે. ત્યારે આ મુદ્દે સમગ્ર દેશમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા પ્રતીકાત્મક રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે મોરબીમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સંગઠનના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ વ્યક્ત કરી હિન્દુ સમાજને જાગૃત થવા આહ્વાન કર્યું હતું. આ વિરોધ કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને રવાપર ખાતે આવેલ લેન્સકાર્ટના શોરૂમ ખાતે જઈ હિન્દુ કર્મચારીઓને તિલક કરીને પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવ્યો હતો.
સંગઠનના આગેવાનોના જણાવ્યા મુજબ, આવા કોઈપણ નિયમો હિન્દુ સમાજ સહન નહીં કરે અને આવનારા સમયમાં પણ આ પ્રકારની નીતિઓ સામે સખત વિરોધ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાયો હતો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.





