૬૫- મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી – ૨૦૨૦ માટે ભારતના ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર તા.૩/૧૧/૨૦૨૦ ના રોજ મતદાન યોજાનાર છે. જેમાં મતદાન માટે આવતા મતદારોએ મતદાન મથકોએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ચૂંટણી કાયદા હેઠળ ચૂંટણી પંચે મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ કરવા નિર્દેશ કરેલ છે.
જે અન્વયે જો કોઇ મતદાર તેને આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) રજુ ન કરી શકે તો વૈકલ્પિક દસ્તાવેજી પુરાવાઓ ભારતના ચૂંટણી પંચે માન્ય કરેલ છે.
ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલ આ વૈકલ્પિક દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ કાઢી આપવામાં આવેલ જોબકાર્ડ, બેંન્ક અને પોસ્ટ ઓફિસ તરફથી કાઢી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે કાઢી આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટા સાથેના પેન્શન દસ્તાવેજ, કેન્દ્ર/ રાજય સરકાર/ જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવતાં ફોટા સાથેનાં ઓળખકાર્ડ અને સંસદસભ્યો/ ધારાસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલ અધિકૃત ઓળખપત્રો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓવરસીઝ મતદાર તરીકે નોંધણી થયેલ મતદારે મતદાન મથકે ફકત અસલ પાસપોર્ટ રજુ કરીને તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.
આમ, ૬૫- મોરબી વિધાનસભા મતદાર વિભાગમાં તા. ૩/૧૧/૨૦૨૦ ના રોજ યોજાનાર મતદાન સમયે મતદાન મથકે મતદાર પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) રજુ ના કરી શકે તો ઉપરોકત દસ્તાવેજી પુરાવાઓની આ વધારાની સવલત ચૂંટણી પંચે આપેલ છે. જે રજુ કરી મતદાર મતદાન કરી શકશે તેમ વધુમાં જણાવાયું છે.