વાંકાનેરના માટેલ નજીક એક્સેલ પેપરમિલમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા રાજકોટથી ફાયર ફાયટર ની ટિમ મોરબી પહોંચી આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા છે.મોરબીમાં ફાયર સુવિધાઓનો અભાવ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.
વાંકાનેરના માટેલ નજીક આવેલા એક્સેલ પેપરમિલમાં આગ લાગી હતી જેમાં સતત છેલ્લા ચાર કલાકથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પેપરમિલમાં રહેલો કાચો માલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો જેમાં મોરબી વાંકાનેર હળવદ સહિતની ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરી હતી જો કે આગ કાબુમાં લેવાના ફાયર સેફટીના પૂરતા સાધનો ન હોવાથી આગ ઘટવાને બદલે વધી હતી જે બાદ રાજકોટ ફાયર વિભાગની ટીમને જાણ કરતાં રાજકોટ ફાયર વિભાગની બે ટિમો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરી છે જો કે આગના લીધે 3500 થી 4000 ટન જેટલો કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો જેના લીધે 8 કરોડથી વધુનું નુકશાન થયું હોવાનું પેપરમિલના માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ અને વાંકાનેર પ્રાંત અધિકારી ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.હાલ આગ ક્યાં કારણસર લાગી તેનું નકકર કારણ બહાર આવ્યું નથી પરંતુ હાલ આગને કાબુમાં કઈ રીતે લેવી તે પ્રયાસો હાથ ધરાયાં છે. મોરબીના ફાયર વિભાગ આગને કાબુમાં લેવા પૂરતા સંસાધનો ન હોવાથી વામળું સાબિત થયું હતું ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવા પાછળ ફાયર સુવિધાઓનો અભાવ હોવાનું વાંકાનેર પ્રાંત અધિકારીએ કબુલ્યું હતું.