મકાન બનાવવા રૂપિયા ૧૬ લાખની મદદ કરવાનું કહી પાકિસ્તાની મોબાઇલ નંબર ધારકે કરી છેતરપિંડી
વાંકાનેરમાં રહેતી પરિણીતા ફેસબુકમાં લોકોને આર્થિક મદદ કરતા વિડીયો જોય તે ફેસબૂક આઇડીમાં આપેલ પાકિસ્તાની કન્ટ્રી-કોડ મોબાઇલ નંબરમાં કોલ કરીને પોતાને મકાન બનાવવા ૧૬ લાખની આર્થિક મદદ કરવાનું પરિણીતા દ્વારા જણાવ્યું હતું. ત્યારે સામેવાળાએ પ્રથમ રૂપિયા ૪૫ હજાર ખાતામાં ટ્રાન્સફર કરાવવાનું જણાવી જે પૈકી અલગ અલગ બેંક ખાતામાં ૩૬ હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરાવી આજદિન સુધી ટ્રાન્સફર કરેલ રૂપિયા કે મકાન બનાવવાના રૂપિયા પરત ન આવતા પરિણીતાએ સાયબર ક્રાઇમ સેન્ટ્રલ નંબર ૧૯૩૦ બાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ફેસબૂક પ્રોફાઈલ ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર ટાઉનમાં નવાપરા વિસ્તારમાં રહેતા નજમાબેન નાસીરભાઈ ઉસમાનભાઈ શાહમદાર ઉવ.૩૬ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી તરીકે ફેસબૂક આઈડી Harsha Sai નામના ફેસબૂક આઇડી ધારક સામે ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત ફેસબૂક આઇડીમાં ગરીબ માણસોને આર્થિક મદદના અલગ અલગ વિડીયો બતાવી જે આઇડીમાં આપેલ પાકિસ્તાની કન્ટ્રી-કોડ મોબાઇલ નંબર ઉપર નજમાબેને કોલ કરેલ હોય જેથી તેમને મકાન બનાવવા ૧૬ લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ અન્ય મોબાઇલ નંબર ઉપર પ્રથમ રૂપિયા ૪૫ હજાર જેવી રકમ ટ્રાન્સફર કરવાનું જણાવતા, ગત તા.૧૨ તથા ૧૩ ઓગસ્ટ એમ બે દિવસ નજમાબેને ૪૫ હજાર પૈકી ૩૬ હજાર જેટલી રકમમાં અલગ અલગ બેંક ખાતામાં તથા આપેલ અન્ય મોબાઇલ નંબરમાં રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ નજમાબેનને શંકા જતા સમગ્ર બનાવ બાબતે પતિ નાસીરભાઈને વાત કરતા નજમાબેન સાથે છેતરપિંડી થયાનું જણાવતા પ્રથમ સાયબર ક્રાઇમ ૧૯૩૦ માં ફરિયાદ કર્યા બાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ઉપરોક્ત ફેસબૂક આઈડી ધારક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.