મોરબી જિલ્લામાં દેશી-વિદેશી દારૂની વધતી બદીને અટકાવવા ઉચ્ચાધિકારીઓએ સૂચના કરતા મોરબી જિલ્લા પોલીસ દ્વારા એક બાદ એક રેઈડ પાડી બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસે ઠીકરીયાળા ગામ અને લુણસર ગામેથી બે ઈસમોને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા હતા.
પ્રથમ બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ઠીકરીયાળા ગામની સીમમાંથી એક શખ્સ વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થવાનો છે. જે હકીકતના આધારે પોલીસે દેવાબાપાની જગ્યા પાસે વોચ ગોઠવી રાખી હિતેશભાઇ રતાભાઇ ડાભી (રહે.મોટી મોલડી ઝીઝુડા ગામની સીમ વાડી વિસ્તારમા તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર) નામના શખ્સની GJ.13.AK.1704 નંબરની રૂ.૩૦,૦૦૦/-ની કિંમતની હિરો સ્પલેન્ડર પ્લસ મોટરસાઇકલ રોકી તેમી પૂછપરછ કરી તપાસ કરતા આરોપી પાસે રહેલ બે થેલામા રહેલ ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં-૧ની ઇગ્લીશ દારૂની રૂ.૧૮,૦૦૦/-ની કિંમતની ૪૮ બોટલોનો મળી આવતા પોલીસે કુલ રૂ.૪૮,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી હતી.
બીજા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે તેઓએ લુણસર ગામે મહેશભાઇ રમેશભાઇ વાઘેલા (હે.લુણસર,ગૌશાળા પાસે તા.વાંકાનેર જી.મોરબી)ના રહેણાંક મકાને રેઈડ કરી મકાનમાં પેટી પલંગ શેટીની અંદર બેગમાં છુપાડેલ ભારતીય પરપ્રાંત બનાવટની મેકડોવેલ્સ નં.૧ની કંપની શીલપેક ઇંગ્લીશ દારૂની ૩૩ બોટલોનો રૂ.૧૨,૩૭૫/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને સ્થળ પરથી મહેશભાઇ રમેશભાઇ વાઘેલા મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.