રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતીપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે ર૪ વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર પોલીસનો કાફલો ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, યજ્ઞપુરુષનગર (ગારીયા)માં વિવેકભાઇ મંછારામભાઇ ગોંડલીયા અને વિશાલ મંછારામ ગોંડલીયાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ પડતર મકાનમાં વેચાણ અર્થે દારૂ મંગાવી છુપાડવામાં આવ્યું છે. જે હકીકતના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે સ્થળ પર રેઇડ કરતા સ્થળ પરથી વિદેશી દારૂ મેક ડોવેલ્સ નંબર-૧ની ર૪ બોટલ સાથે વિવેકભાઇ મંછારામભાઇ ગોંડલીયા નામનો આરોપી મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે. જયારે વિશાલ મંછારામ ગોંડલીયા નામનો આરોપી મળી ન આવતા તેની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.