રાજ્ય સરકારે કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને નિયંત્રણો હળવા કર્યા છે. અને આવતીકાલે તા. ૧૧થી ધાર્મિક સ્થાનોને નિયમ પાલન સાથે ખોલવાની છૂટ આપી છે ત્યારે માટેલ આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિરનાં ટ્રસ્ટી દ્વારા સતાવાર જાહેર કરેલી યાદી મુજબ વાંકાનેરના માટેલ ધામમાં આવેલ ખોડિયાર માતાજીનું મંદિર આવતીકાલે તા. ૧૧ જૂનથી ભક્તોના દર્શન માટે સરકારના નિયમોના ચુસ્ત પાલન સાથે ખુલ્લું મુકવામાં આવશે. જેમાં માઇ ભક્તો સવારે ૫:૩૦ થી સાંજે ૭:૩૦ કલાક સુધી માટેલ ધામમાં આવેલ ખોડિયાર માતાજીના દર્શન કરી શકશે. મંદિરમાં ફરજિયાત માસ્ક કે રૂમાલ બાંધવાનો રહેશે અને મંદિરમાં દર્શન કરીને તુરંત નીકળી જવાનું રહેશે. માતાજીની આરતીમાં કોઈ ભક્તજનોને બેસવા દેવામાં નહિ આવે. હાલ પૂરતા મંદિરમાં રાત્રીરોકાણ અને ભોજનાલય બંધ રહેશે. તેમજ મંદિરમાં ૫૦ યાત્રીથી વધુને પ્રવેશ આપવામાં નહિ આવે તેમ માટેલ ખોડિયાર મંદિરના ટ્રસ્ટીની યાદીમાં જણાવાયું છે.