વાંકાનેર તાલુકાના જોધપર ગામે બાલ-દાઢીના બાકી પૈસાની ઉઘરાણી મામલે એક યુવકને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા વિજયભાઈ લખુભાઈ સોલંકીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલ તા.૦૯/૦૫ના રોજ સાંજે ગામના ઝાપા પાસે આરોપી અર્શદભાઈ આરીફભાઈ ઉર્ફે હકાભાઈ ભટ્ટી રહે. જોધપર ખારી તા.વાંકાનેર વાળાએ તેમને ઉભા રાખ્યા હતા અને બાલ-દાઢીના બાકી પૈસા માંગ્યા હતા. ત્યારે ફરિયાદીએ હાલ કારખાને જવાનું હોવાથી આવતીકાલે પૈસા આપી દેશે તેમ કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી ઝપાઝપી કરી હતી. આરોપીએ ફરિયાદીને ગળાના ભાગે તથા શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી હડધૂત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






