મોરબી જિલામાં મતદારોએ સરેરાશ ૬૯.૯૫% મતદાન કરીને પોતાનો ફેંસલો આપી દીધા બાદ હવે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાનાર છે અને અલગ અલગ ઉમેદવારોને પોત પોતાના પક્ષની ટીકીટ તો મળી ગઈ પરંતુ ગાંધીનગર જવાની ટીકીટ આપવી મતદારોના હાથમાં છે જે આવતીકાલે ૮મી માં રોજ જાહેર થશે હાલ મતગણતરી સ્થળ પર પોલીસ અને પેરામિલિટરી ફોર્સનો ચાપતો બંદોબસ્ત તૈનાત કરાયો છે.
મોરબી જિલ્લાની ત્રણ સીટો જેમાં ૬૫ મોરબી માળીયા,૬૬ ટંકારા પડધરી અને ૬૮ વાંકાનેર કુવાડવા બેઠકનું મતદાન યોજાયુ હતું. જેમાં ૯૦૬ બુથો પર ૫,૭૨,૦૩૦ મતદારોએ મતદાન કર્યું હતું. તેમજ ૧,૨૦૪ ઇવીએમમાં ઉમેદવારોનું ભાવિ કેદ થયું છે. તેમજ મોરબી માળીયા બેઠક પર ૧,૯૨,૬૫૩ મત પડ્યા હતા, જયારે ટંકારાપડધરી બેઠક પર ૧,૭૭,૬૧૨ મત અને વાંકાનેર કુવાડવા બેઠક પર ૨,૦૧,૭૬૫ જેટલું મતદાન થયું હતું. જેનું આવતીકાલે સવારે ૮ વાગ્યાથી મોરબીની ઘુટુ પોલીટેક્નીક કોલેજમાં મતગણતરી થશે. તેમજ જિલ્લાની ત્રણ બેઠકો માટે અલગ અલગ ત્રણ રૂમમાં કુલ ૪૨ ટેબલો પર મતગણતરી કરવામાં આવશે. જેમાં મોરબી માળીયાના ૫૯૮ ઇવીએમ, ટંકારા પડધરીના ૩૦૦ ઇવીએમ અને વાંકાનેર કુવાડવાના ૩૦૬ ઇવીએમ ખોલવામાં આવશે. જે મતગણતરીમાં ૧૫૩ કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. ત્યારે ત્રણ બેઠકના અલગ અલગ ત્રણ રૂમ ફાળવવામાં આવ્યા છે. જેમાં દરેક રૂમમાં ૧૪ -૧૪ ટેબલો પર અને મોરબી માળીયા અને ટંકારા પડધરી પર ૨૨-૨૨ રાઉન્ડમાં અને વાંકાનેર કુવાડવા બેઠકની ૨૩ રાઉન્ડમાં મતગણતરી થશે. જે મતગણતરીમાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ બે ડી.વાય.એસ.પી, સાત પી.આઇ, ૧૫ પી.એસ.આઇ, પેરા મિલેટરી ફોર્સ સહિત ૨૫૦ જેટલા પોલીસ જવાનોને ચુસ્ત બદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.