મોરબીના શનાળા ગામ પાસે નિર્માણધિન ઓવરબ્રિઝ નજીક બાઈકસવાર મહિલાને ટ્રક કન્ટેનરે હડફેટે લેતા મહિલાનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.
કેસની વિગત મુજબ મોરબીના શનાળા ગામ પાસે ઓવરબ્રિઝની કામગીરી ચાલી રહી છે તેની નજીકથી મોરબીના ઉમિયાનગર ત્રાજપર ખાતે રહેતા સવજીભાઇ ખીમજીભાઇ મુછડીયા (ઉ.વ.૫૧) તથા તેમના પત્ની બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા તે વેળાએ રસ્તામા એક ખાડો આવતા પત્નિ નિતાબેન બાઇકમાથી રોડ ઉપર પડી ગયા હતા. આ દરમિયાન પાછળ એક ટ્રક કન્ટેનર નંબર- જી.જે.૧૨.નો ચાલક બેફામ સ્પીડે ટ્રક ચલાવી હડફેટે લેતા નિતાબેનને કમરથી નીચેના ભાગથી જમણા પગની પેની સુધી ટ્રક કન્ટેનરના પાછળના જોટામા આવી જતા જમણા પગે તથા ડાબા પગે ગંભીર ઈજા થઈ હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન નિતાબેનનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, આ અંગે સાવજીભાઈએ ફરાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે