પ્રકાશનાં મહાપર્વ દિપાવલીના તહેવારો શરૂ થયી ગયા છે ત્યારે ધનતેરસના શુભ દિવસે લક્ષ્મીપૂજનનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે મોરબીમાં આશરે ૨૦૦ વર્ષ પૌરાણિક મહાલક્ષ્મીજીના મંદિરે પરંપરાગત લક્ષ્મીપૂજન કરાયું હતું.
મોરબીના દરબારગઢ પાસે આવેલ ૨૦૦ વરસ પૌરાણિક મહાલક્ષ્મીજીના મંદિર ખાતે આજે ધનતેરસના પાવન પર્વ પર પૂજારી રમેશભાઈ ભટ્ટ સહિતના દ્વારા મહા લક્ષ્મીપૂજન તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડો ભાવિકોએ આરતી-દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે તમામ માનવજાતની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરાઈ હતી. આજે સાંજે પણ મંદિરમાં મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજથી ૧૨૫ વર્ષ પૂર્વે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો ત્યારબાદ ૨૦૧૯માં ફરી એકવાર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજાશાહીના સમયે નિર્માણ પામેલું આ પૌરાણિક મહાલક્ષ્મીજીનું મંદિર ભક્તોની આસ્થાના કેન્દ્ર સ્થાને રહેલું છે.