મોરબીમાં હમણાંથી હડકાયા કુતરા કરડવાના કેસ વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારે મોરબી નગરપાલીકા દ્વારા તાકીદે પગલા લેવામાં આવે તે અંગે મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, મુસાભાઇ બ્લોચ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ લેખિત રજુઆત જણાવાયું છે કે મોરબી નગરપાલીકા હેઠળ આવતા વિસ્તારોમાં જાહેર રસ્તા પર, સેવા સદનમાં, માર્કેટમાં, સોસાયટીઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તાર અને માળિયા-વાંકાનેર પંથકમાં અનેક જગ્યાએ હડકાયા કુતરાઓ માણસો તથા ઢોરને બટકા ભરી જાય છે. મોરબીની સીવીલ હોસ્પીટલમાં ગઈકાલે તા.૨૩નાં રોજ એક જ દિવસમાં હડકાયા કુતરા કરડવાના ૮૦ કેસ નોંધાયા હોવાનું જાણવા મળેલ છે. સામાન્ય રીતે, રોજના આશરે ૨૦ થી ૨૫ કેસ આવે છે. તેમજ સામાકાંઠા, વાવડી રોડ, રવાપર રોડ, દરબારગઢ એરીયા, શનાળા રોડ પરના વિસ્તારમાં હડકાયા કુતરાનો ત્રાસ હોય તો આ અંગે ચીફ ઓફીસર તાકીદે નિર્ણય લઇ કાર્યવાહી કરે તેવી અપીલ કરાઈ છે. તેમજ હડકાયા કુતરાઓને પકડવાની ઝુંબેશ ઉપાડે તો તાત્કાલીક આ પ્રશ્નનો નિવારણ થાય અને અનેક લોકો તેમજ અબોલ જીવને બચાવી શકાય તે અંગેની લેખીત રજુઆત મોરબીનાં સામાજીક કાર્યકરો દ્વારા કરવામાં આવી છે.