મોરબી શહેરના લીલાપર રોડ સ્થિત આવાસ યોજનાના કવાટર્સ નજીક ગત મોડી રાત્રે એક યુવાન પર છરીના ઘા ઝીંકી ઘાયલ કરાતા ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો : ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ
બનાવની મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે. માંથી બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ સ્થિત આવાસ યોજનાના કવાટર્સ નજીક એક યુવકને છરીના ઘા ઝીંકાતા ઘાયલ યુવાનને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે. હોથીપીરની દરગાહ પાસે રહેતા ઇકબાલ રજાકભાઈ કાસમાણી(ઉ.વ.૩૧) ગત મોડી રાત્રે ૨:૩૦ વાગ્યાના અરસામાં ક્વાર્ટરના બ્લોક નંબર બી-૧૪ નજીક હતો ત્યારે તેના મિત્રએ જ કોઈ કારણસર ઇકબાલને છરીના ઘા ઝીંકી દીધા હતા. ઘાયલ યુવકને સૌ પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલે ખસેડયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સ્થિત હોસ્પિટલે ખસેડાતા એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ. એમ.જી.વાળા યુવાનની ફરિયાદ નોંધવા રાજકોટ દોડી ગયા છે. ફરિયાદ નોંધાયા બાદ હુમલાનું કારણ બહાર આવશે. પોલીસે હાલ તો હુમલાખોર શખ્સ વિશે માહિતી મેળવી તેને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે.