ચીન (China) તિબેટમાં બ્રહ્મપુત્ર નદી (Brahmaputra River) પર એક મુખ્ય ડેમનું નિર્માણ કરશે અને આવતા વર્ષથી લાગુ થનારી 14મી પંચવર્ષીય યોજનામાં તેને સંબંધિત પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ચીનના ઓફિશિયલ મીડિયાએ ડેમ બનાવવાની જવાબદારી મેળવી ચૂકેલી એક ચીની કંપનીના પ્રમુખના હવાલાથી આ જાણકારી આપી છે. ‘ધ ગ્લોબલ ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર, પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઓફ ચાઇનાના અધ્યક્ષ યાંગ જિયોંગે કહ્યું કે ચીન યારલુંગ જંગ્બો નદી (બ્રહ્મપુત્રનું તિબેટી નામ)ના નીચલા હિસ્સામાં જળવિદ્યુત ઉપયોગ પરિયોજના શરૂ કરશે અને આ પરિયોજના જળ સંસાધનો અને સ્થાનિક સુરક્ષાને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
‘ધ ગ્લોબલ ટાઇમ્સે’ રવિવારે કમ્યુનિસ્ટ યૂથ લીગ ઓફ ચાઇનાની કેન્દ્રીય સમિતિના વી-ચેટ એકાઉન્ટ પર મૂકવામાં આવેલા એક લેખના હવાલાથી આ જાણકારી આપી કે યાંગે કહ્યું છે કે સત્તારૂડ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીસી) દેશની 14મી પંચવર્ષીય યોજના (2021-25) તૈયાર કરવાના પ્રસ્તાવમાં આ પરિયોજનાને સામેલ કરશે અને 2035 સુધીમાં તેના માધ્યમથી લાંબાગાળાના લક્ષ્ય પ્રાપ્ત કરવા પર વિચાર કરી ચૂકી છે.