મિશ્વા સિરામિક નામની ઓફિસમાં વેચાણ માટેના રૂ.૩૦,૬૧૪/-ના વિદેશી દારૂ સાથે વેપારીની અટકાયત.
મોરબીના મહેન્દ્રનગર-હળવદ રોડ પર આવેલા ઇન્દ્ર પ્લાઝા કોમ્પ્લેક્સની ઓફિસમાં બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂની ૨૪ બોટલ કિ.રૂ. ૩૦,૬૧૪/- સાથે વેપારી ભાવીનભાઈ મકવાણાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળી હતી કે મહેન્દ્રનગર-હળવદ રોડ પર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે આવેલા ઇન્દ્ર પ્લાઝાના બીજા માળે ભાવીનભાઈ મકવાણા પોતાની દુકાન નંબર ૨૧૦માં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન ઓફિસમાંથી ભાવીનભાઈ કાનજીભાઈ મકવાણા ઉવ.૨૬ રહે. રવિ પાર્ક વાવડી રોડ મોરબી વાળા મળી આવ્યા હતા. જ્યાં ઓફિસમાં રાખેલી સુટકેસની તપાસ કરતા વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૨૪ બોટલો કિ.રૂ.૩૦,૬૧૪/- મળી આવી હતી. જેથી પોલીસે આરોપી ભાવીનભાઈ મકવાણાની પ્રોહિબિશન એક્ટ હેઠળ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






