મોરબી તાલુકાના મકનસર ગામે દુકાન નજીક ગાળો બોલવાની ના પાડવાના મામલે છ શખ્સોએ અલગ અલગ સમયે વારાફરથી આવી દુકાનદાર પર ધોકા અને પાઇપ વડે હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, પ્રેમજીનગર(મકનસર) ગામે રહેતા અને ગેરેજની દુકાન ચલાવતા જયેશભાઈ વેલજીભાઈ શેખવા ઉવ.૩૮એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગેરેજ પર કામ કરી રહ્યા હતા ત્યારે આરોપી ગોરધનભાઈ કોળી ગાળો બોલતા હોવાથી તેમને ગાળો બોલવાની ના પાડી હતી. આ બાબતે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ ગામના ચોકમાં આરોપી ગોરધનભાઈના પુત્રો આરોપી ભીખાભાઈ, રવીભાઈ અને ગાંડુભાઈ ધોકા અને પાઇપ જેવા હથિયારો સાથે તેમના ઘરે પહોંચ્યા હતા અને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો ઉચ્ચારી હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને હાથ, પગ અને હાથની કોણી પાસે ઇજાઓ પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપી ગોરધનભાઈ કોળી, વિનુભાઈ અરજણભાઈ પરમાર, પ્રેમજીભાઈ ઉર્ફે સંજય અરજણભાઈ પરમાર, ભીખાભાઈ ગોરધનભાઈ કોળી, રવીભાઈ ગોરધનભાઈ કોળી અને ગાંડુભાઈ ગોરધનભાઈ કોળી સામે એટ્રોસિટી એક્ટ, ભારતીય ન્યાય સંહિતા તથા જીપી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






