Thursday, May 14, 2026
HomeGujaratટંકારાના હરબટીયાળીમાં ૭૫ વર્ષીય વૃદ્ધ પર પાઈપ વડે જીવલેણ હુમલો

ટંકારાના હરબટીયાળીમાં ૭૫ વર્ષીય વૃદ્ધ પર પાઈપ વડે જીવલેણ હુમલો

ગામમાં નુકસાન ન કરવા ગામલોકોએ ટોકવા અંગેનો ખાર રાખી આરોપીએ હુમલો કર્યાનો આક્ષેપ.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે ૭૫ વર્ષીય વૃદ્ધ ઉપર ગામના જ એક વ્યક્તિએ લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરાયાની ઘટના સામે આવી છે. જેમાં ગામમાં અવાર નવાર જાહેર જગ્યાએ નુકસાન કરનાર આરોપીને ગામલોકોએ ટોકતા, શેરીમાં નીકળેલ વૃદ્ધ ઉપર હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, હાલ વૃદ્ધ બેભાન હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આરોપી સામે હત્યાની કોશિષ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા હસમુખભાઈ બેચરભાઈ નમેરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલ તા. ૧૩/૦૫/૨૦૨૬ તેમના પિતા બેચરભાઈ જીવણભાઈ નમેરા ઉવ.૭૫ ઉપર આરોપી જગદીશભાઈ છગનભાઈ ઝાપડાએ હુમલો કર્યો હતો, આરોપી જગદીશભાઈ ગામમાં અવારનવાર જાહેર જગ્યાએ નુકસાન કરતા હોવાથી ગામલોકોએ તેને ટોક્યો હતો. જે બાબતનો ખાર રાખી આરોપીએ પોતાના ઘરની શેરીમાંથી પસાર થતા ફરિયાદીના વૃદ્ધ પિતા ઉપર હુમલો કરી, લોખંડના પાઈપ વડે આડેધડ ઘા માર્યા હતા, વૃદ્ધને બચાવવા વચ્ચે પડેલા બે લોકોને પણ ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ત્યારે ઇજાગ્રસ્ત વૃદ્ધને ૧૦૮ મારફતે ટંકારા ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ વૃદ્ધના માથાના ભાગે ફ્રેક્ચર તથા હેમરેજ જેવી ગંભીર ઈજા હોવાનું જણાવ્યું હતું. હાલ તેઓ બેભાન હાલતમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!