મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ મોબાઈલ, કરીયાણા સહિતની દુકાનોને ગઈ તા.૩૦ ઓગસ્ટના રોજ નિશાચરોએ નિશાન બનાવી હતી જેમાં બન્ને દુકાનોમાંથી કુલ રૂ.૫૬૦૦૦ ના મુદામાલની ચોરી કરી તસ્કરોનાસી છૂટ્યા હતા ત્યારે આ બનાવની વેપારીઓએ ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રવાપર ગામ શીવશકિત સોસાયટી કે. કે. ટાવર વાળી શેરીમાં રહેતા વેપારી ધર્મેશ રસીકભાઇ સંઘાણીએ ગઈકાલે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૩૦ ના રોજ મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી સામે આવેલી તેમની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી જેમાં તસ્કરોએ દુકાનના શટર તોડી અને દુકાનમા ઘુસી સાદા મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૫૦૦૦ તથા રોકડ રૂ. ૫૫૦૦ તથા એક ડેમો સીમકાર્ડ વાળો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦ તથા એક ડેલ કંપનીનું લેપટોપ નંગ-૧ કિ.રૂ.૩૦૦૦૦ તથા સાક્ષી હિતેશ રમેશભાઇની દુકાનમાથી પરચુરણ રકમ રૂ.૫૦૦ અને બીજા સાક્ષી રાજેશ મનસુખભાઇ હિરાણીની કરીયાણાની દુકાનમાંથી એક રર ઇંચનું એલ.સી.ડી ટી.વી. કિ.રૂ.૧૦૦૦૦ મળી કુલ રૂ.૫૬૦૦૦ ની રકમના મુદામાલની ચોરી કરીને નાસી છૂટયા હતા. પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે