મોરબીના સર્વાંગી વિકાસ માટે રૂ.૭૬૭.૩૦ લાખના ૩૫૦ જેટલા વિકાસના કામો મંજૂર
મોરબી જિલ્લાના પ્રભારીમંત્રી અને ઉર્જામંત્રી સૌરભ પટેલના અધ્યક્ષ સ્થાને આજે સોમવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇઓ તથા અન્ય વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માટે રજૂ કરવામાં આવેલ ૭૬૭.૩૦ લાખના ૩૫૦ જેટલા વિકાસના કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જીસ્વાન મારફત ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા અધ્યક્ષ સૌરભ પટેલે મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પીવાના પાણી, ભૂર્ગભ ગટર, વિજળી, નાલાના કામોને ક્રમસહ અગ્રતા મુજબ હાથ પર લઇ ઝડપથી કામો પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતુ. તેમજ વર્ષ ૨૦૧૯-૨૦ના કામો જલદી પૂર્ણ કરવા પણ તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી જીગ્નેશ બગીયાએ ૨૦૨૧-૨૨ના વર્ષની વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓનું આયોજન આ બેઠકમાં રજૂ કર્યુ હતું.
આ બેઠકમાં પ્રભારીમંત્રી સૌરભ પટેલની સાથે ગાંધીનગરથી મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કલેકટર જે.બી.પટેલ, મોરબી કલેકટર કચેરી ખાતે ટંકારા-પડધરી ધારાસભ્ય લલીત કગથરા, વાંકાનેર ધારાસભ્ય મહમદજાવિદ પીરઝાદા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ આર.કે. ચાવડા, મોરબી નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારધી, નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષી તેમજ મોરબીના તાલુકા મથકેથી તાલુકા અમલીકરણ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.