મોરબી : વાવડી રોડ પર રહેતી પરિણીતાનું દાઝી જતાં મોત
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ પર મિલન પાર્ક શેરી-૩ માં રહેતા રેશમાબેન અસલમભાઈ બોરસંખીયા (ઉ.વ.૨૫)નામની પરિણીતા ગઈકાલે તા.૧૬નાં રોજ કોઈ કારણોસર પોતાના ઘરે દાઝી જતા તેનું મોત નીપજ્યું હતું. મરણજનાર રેશમાબેનના લગ્નને અઢી વર્ષ જેટલો સમય થયો છે. મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
હળવદ : મેરૂપર ગામે બીમારીથી કંટાળી ઝેરી દવા ગટગટાવી આધેડે મોત વ્હાલું કર્યું
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના મેરુપર ગામની સીમમાં જીતુભાઈની વાડીમાં રહેતા મુળ છોટા ઉદેપુરનાંં વતની અરવિંદભાઈ કનુભાઈ તડવી (ઉ.વ.૫૫) એ ગત તા. ૧૧ જુલાઈનાં રોજ બીમારીથી કંટાળી જંતુ મારવાની દવા પી જતા તેને સારવાર અર્થે પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયુ હતું. બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ટંકારા : લજાઈ ગામે કુવામાં પડી જતાં ડુબી જવાથી આધેડનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના લજાઈ ગામની સીમમાં ૩૬ ક્લબની બાજુમાં લીબાભાઈ પરસોતમભાઈ મસોતની વાડીમાં રહેતા મુળ જામનગર જિલ્લાના શાપરનાં વતની રમેશભાઈ પરસોતમભાઈ કગથરા (ઉ.વ.૫૦)નામનાં આધેડ ગત તા. ૨૩ ફેબ્રુઆરીના રોજ વાડીમાં આવેલ પાણી ભરેલ કુવાના કાંઠે પાણીની મોટર ચાલુ કરવા જતા અકસ્માતે કુવામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.