મોરબી જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ શાખા દ્વારા મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડી કેન્દ્ર ખાતે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં SAG યોજના અંતર્ગત ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી નોંધાયેલ કિશોરી તથા PURNA યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી તથા શાળાએ ન જતી નોંધાયેલ જિલ્લા ની અઢાર હજાર કિશોરીઓ દ્વારા વિવિધ ફળ, લીલા શાકભાજી, કઠોળ માંથી પોષ્ટિક સલાડ બનાવવામાં આવ્યું હતું.
આ ઉજવણી અંતર્ગત આઈ.સી.ડી.એસ.શાખા જિલ્લા પંચાયત મોરબીના ડીસ્ટ્રીક્ટ કન્સલ્ટન્ટ (પૂર્ણાયોજના) મયુરભાઈ સોલંકી દ્વારા વાંકાનેર ઘટક-૧ ના વિશીપરા સીટી વિસ્તારની આંગણવાડીની મુલાકાત લઇ કોવિડ-૧૯ની ગાઈડ લાઈનને ધ્યાને રાખી ઉપસ્થિત કિશોરીઓ દ્વારા બનાવેલ પોષ્ટિક સલાડનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તથા તમામ કિશોરીઓને ઉમર મુજબ પોષક આહારની જરૂરિયાત, રોજીંદા ખોરાકની જરૂરિયાત, સ્થાનિક વિસ્તારમાંથી ઉપલબ્ધ વસ્તુઓમાંથી સલાડ બનાવી રોજીંદા ખોરાકમાં ઉપયોગ તથા આંગણવાડીમાંથી આપવામાં આવતા સત્વ મીઠાના ઉપયોગ તેમજ ફાયદા અંગેની સમજ આપવામાં આવી હતી. આ કાર્યકમ ને સફળ બનાવવા વિશીપરા સીટી વિસ્તારના આંગણવાડી કાર્યકારોએ જહેમત ઉઠાવેલ હતી તેમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત મોરબીની એક યાદીમાં જણાવાયું હતું.