બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર ફરિયાદી રમેશભાઈ કરમશીભાઈ દોરાળા (ઉ.વ.૪૫, ધંધો-ખેતી, રહે.જુના રાણેકપર તા.હળવદ) તથા હનીફભાઈ મુસાભાઈ લોલાડીયા (ઉં.વ.૫૭,ધંધો-ખેતી, રહે. શંકરપરા તા.હળવદ) વાળાઓએ આરોપી અમરતબેન ત્રિભોવનભાઇ દલવાડી (રહે. શંકરપરા, હળવદ) વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદી રમેશભાઈની માલીકીની હળવદ ગામના સર્વે નં.૧૬ પૈકી-૧ વાળી જમીન હે-૦ આરે-૮૦ ચો.મી.-૯૪ વાળી તથા ફરિયાદી હનીફભાઈની માલીકીની હળવદ ગામનાં સર્વે નં. ૧૬ પૈકી-૨ વાળી જમીન હે-૧ આરે-૪૧ ચો.મી.-૬૪ વાળી જમીનો પર ગેરકાયદેસર કબ્જો કરી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબ્જો ચાલુ રાખી જમીન પચાવી પાડી હતી. હળવદ પોલીસે બંને ફરિયાદીઓની ફરિયાદનાં આધારે આરોપી મહિલા વિરુદ્ધ જમીન પચાવી પાડવા પર (પ્રતીબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ ૩,૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.