મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારને સાત ઓગષ્ટે પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ૧ ઓગષ્ટથી ૯ ઓગષ્ટ – નવ દિવસ સુધી દરરોજ લોકસેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. ‘પાંચ વર્ષ આપણી સરકારના – સૌના સાથથી, સૌના વિકાસના’ થીમ ઉપર ૧થી ૯ ઓગષ્ટ દરમિયાન ખાસ લોકસેવાના જે કાર્યો થવાના છે તે અંતગર્ત ગઈકાલે તા. ૧ ઓગષ્ટ ‘જ્ઞાન શક્તિ દિવસ’ રોજ સર્વોદય એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એમ. એમ. સાયન્સ કોલેજ ખાતે જ્ઞાનશક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટના સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારીયા, ભારતીય જનતા પાર્ટીના આગેવાન પ્રદીપભાઈ વાળા, મોરબી જિલ્લાના મહામંત્રી જયુભા જાડેજા, કોલેજ સંસ્થાના પ્રમુખ, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, આ વિસ્તારના તમામ નગરપાલિકાના સદસ્ય, કોલેજના પ્રિન્સિપાલ તેમજ એન.સી.સી. કેડેટના અધિકારી, કોલેજના તમામ પ્રોફેસર અને રોકડ રકમ તથા નમો ટેબલેટના લાભાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ લાભાર્થીઓને પ્રતિક ચેક તથા ટેબલેટ અર્પણ કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમનાં અંતે ઉપસ્થિત તમામ લોકોની આભારવિધિ કરી રાષ્ટ્રીય ગાન ગાઈને કાર્યક્રમ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.