વાંકાનેર તાલુકાના અમરસર ગામે રાત્રીના સમયે બેફામ ગાળાગાળી કરતા શખ્સને અટકાવતા ભૂરાયા થયેલા શખ્સે યુવાન પર લાકડી વડે હુમલો કાર્યનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
વાંકાનેરના અમરસર ખાતે રહેતા કિશોરભાઇ ભીમજીભાઇ સીતાપરાના ઘર પાસે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં તે જ ગામે રહેતા આરોપી વિનોદભાઇ જીવાભાઇ ધંધુકીયા (ઉ.વ. ૩૫) વાળો અભદ્ર ભાષા બોલી રહ્યો હતો. જેથી કિશોરભાઈએ આરોપીને વાણી વિલાસ કરતો અટકાવતા આરોપીએ પિત્તો ગુમાવ્યો હતો અને પોતાના હાથમાં રહેલી લાકડી વડે કિશોરભાઈ પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન સાહેદ ગૌરીબહેન છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ માથાના ભાગે લાકડીના ઘા ઝીંકી દીધા હતા.
આ બનાવને પગલે કિશોરભાઈએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.