મોરબીના ઝીઝુડા ગામે ઝડપાયેલા ૫૯૩.૨૫ કરોડ ના ૧૨૦ કિલો ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલા સાત આરોપીઓના ગઈકાલે રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.મોરબી કોર્ટે આ તમામ આરોપીઓને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો.
મોરબીના ઝીંઝુડા ગામેથી ૧૨ દિવસ પહેલા ૫૯૩.૨૫ કરોડના હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે સમસુદીન હુશૈનમિયા સૈયદ, મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ, ગુલામ હુશૈન ઉમર એમ આ ત્રણ શખ્સોને ઝડપી લેવાયા હતા. બાદમાં ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો અલી મીયા કાદરી, રહે. બંદર રોડ, જામ સલાયા અને અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફે બિંદુ, રહે: મન્નીવાલી, તાલુકા સાદુલશહર, જીલ્લો ગંગાનગર,રાજસ્થાન નામના શખ્સને શિરોહી, રાજસ્થાન નજીકથી ઝડપી લીધેલ હતા તેમજ જોડિયાના વોન્ટેડ ઇશા રાવના પુત્ર હુસેનની સંડોવણી પણ ખુલતા તેને પણ ઝડપી લેવાયો હતો. જેમાં અગાઉ 3 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ અને ત્યારબાદ ઝડપાયેલા ચાર આરોપીઓના 10 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતાં આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.આથી કોર્ટે આ સાતેય આરોપીઓને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો.