સરકાર દ્વારા વર્ષ 2005 થી જૂની પેન્શન યોજના બંધ કરવામાં આવેલ છે. અને નવી પેન્શન યોજના NPS ચાલુ કરેલ છે. જે ખરેખર ખૂબજ અન્યાયકર્તા છે. NPS યોજના જે શિક્ષક ભાઈ/બહેનોને લાગુ પડે છે તેઓને નિવૃત્તિ બાદનું જીવન જીવવા માટે ખૂબજ આર્થિક મુશ્કેલી ભોગવવી પડશે. ફિક્સ પે સળંગ નોકરીની લડત તેમજ 4200 ગ્રેડ પેની લડતની સફળતા બાદ હવે NPS ને બદલે જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે તેમજ આપણાં અન્ય પડતર પ્રશ્નોના નિરાકરણ માટે લડત શરૂ કરાઈ છે.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ અને રાજ્ય સંઘની સૂચના મુજબ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ ધરણાં અને આવેદનપત્ર સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવતીકાલે તા.27ને સોમવારના રોજ બપોરે 2 થી સાંજના 5 કલાકે મોરબી જિલ્લા પંચાયત કચેરી સામે એક દિવસીય ધરણાં કાર્યક્રમ યોજાશે. આ લડતમાં જોડાવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા તથા મહામંત્રી દિનેશભાઇ આર. હૂંબલે આહ્વાન કર્યું છે.