ટંકારા ખાતે આવેલ ડ્રિમ લેન્ડ પાર્ટી પ્લોટ ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે જેમાં સરકારી ગાઈડલાઈને અને નિયમોની એસીતેસી કરી થર્ટી ફસ્ટની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માસ્ક, સોસીયલ ડિસ્ટનસના લિરે લિરા ઉડ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હોવાથી અનેક સવાલો ઉઠ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે જ અધિક કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને મંજૂરી વગર ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકઠા થવા પ્રતિબન્ધ ફરમાવ્યો હતો. છતાં આયોજકો આ આદેશને ઘોળીને પી ગયા છે.
કોરોનાને પગલે મનાઈ હોવા છતાં ટંકારાની ડ્રિમ લેન્ડમાં 31 ડિસેમ્બરની પર પાર્ટી યોજાઈ હતી જેમાં ઉપસ્થિત તમામ લોકોએ માસ્કના નિયમનો ભરબજારે છેદ ઉડાવી લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. એક બાજુ કોરોનાએ મોરબી પંથકમાં કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે ત્યારે આવી કપરી સ્થિતી વચ્ચે પણ આયોજકો દ્વારા બેપરવાહ થઈ સરકારની ગાઈડલાઈનનો સરેઆમ ઉલાળિયો કરતા લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. અને અધિક કલેકટરના મંજૂરી વગર ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકઠા થવા પ્રતિબન્ધ અંગેના જાહેરનામાંની પણ એક બે અને સાડાત્રણ કરી પાર્ટીનું આયોજન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ટંકારા પોલીસે ડ્રિમ લેન્ડ પાર્ટી પ્લોટમાં રેઇડ કરી કોરોના કાળમાં મંજૂરી વિના સ્પા ચાલુ રાખવામાં આવતા ગેરકાયદેસર ધમધમતા સ્પાના ધંધા ને ઉઘાડો પડ્યો હતો. જેને થોડો સમય વીત્યા બાદ ફરી એક વખત પાર્ટી પ્લોટના આયોજકોએ મોરબીવાસીઓના આરોગ્યની ચિંતા કર્યા વગર 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરી વિવાદમાં આવતા તંત્રની કામગીરી સામે પણ સો મણનો સવાલ ઉઠ્યો છે.