મોરબી જિલ્લામાં વરસાદી માહોલ દરમિયાન શહેરની માઠી દશા જોવા મળી હતી. શહેરમાં વિકાસ કામોના ધમધમાટ વચ્ચે નગરપાલિકા દ્વારા લાઈન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડાઓમાં વાહનો ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને હોસ્પિટલ જવાના રસ્તે જ મોરબી પાલિકાએ ખાડા ખોદી નાખતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મોરબીમાં વિકાસ કામો માટે ઠેર ઠેર ખાડા ખોદવામાં આવતા વરસાદને પગલે વાહનો આ ખાડામાં ફસાતા ટ્રાફિકની સમસ્યાએ માથું ઊંચક્યું હતું. જેમાં શહેરમાં ત્રિકોણબાગ,રામચોક,અયોધ્યા પુરી મેઈન રોડ,રેલવે સ્ટેશન મેઈન રોડ,જુના બસ સ્ટેન્ડ,વીસી ફાટક સહિતના મેઈન રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા સવારથી આઠ વાગ્યાથી ટ્રાફિક દૂર કરવા કવાયત હાથ ધરી હતી.
મોરબી શહેરના મધ્યેથી પસાર થતા અયોધ્યાપુરી રોડ થી થઈ ને આગળ જતાં મહેન્દ્ર પરા રોડ પાસે બોલેરો પિક અપ અને એક ટ્રક બન્ને નગરપાલિકા દ્વારા પાઈપ લાઇન માટે ખોદાયેલાં ખાડા માં ફસાઈ જતા ત્યાં ના વાહનો ને અન્ય માર્ગ પર ડાયવર્ટ કરવાની નોબત આવી હતી જેને પગલે આ સમય દરમિયાન એક જ માર્ગ પર વાહનો ની અવર જવર ચાલુ રહેતા મોરબી શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકના દ્રશ્યો સર્જાય હતા. જો કે ટ્રક ને તો મહા મહેનતએ બહાર કાઢી લેવામાં આવ્યો હતો. પણ બોલેરો ઘણા સમય સુધી ફસાયેલી રહેતા ટ્રાફિક જામ સર્જતા લોકોને કલાકો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જ્યારે બીજી તરફ આ ટ્રાફિક સમસ્યાને હલ કરવા પોલીસ તંત્રની કાબિલેદાદ કામગીરી જોવા મળી હતી. પોલીસ તંત્રને જાણ કર્યા વિના જ મેઇન રોડનો ખાડો ખોદી નાખતા અનેક વાહનો ફસાયા હતા. મોરબી પાલિકાની ઘોર બેદરકારીના કારણે અનેક દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે મોરબી નગરપાલીકા આ ખાડાનો ત્વરિત નિર્ણય કરશે..? તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.