વાંકાનેરમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. અને આવા અસામાજિક તત્વો જિલ્લાની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ગત ૪ સપ્ટેમ્બરના રોજ એક યુવક પર બે લુખ્ખા તત્વોએ તીક્ષણ હથિયાર અને ધોકા વડે હુમલો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગત ૪ સપ્ટેમ્બરના રોજ વાંકાનેરની લક્ષ્મીપરા શેરીમાં રહેતા અને મજૂરી કામ કરતા ઇનાયત અયુબભાઇ પીંપરવાડીયા જીનપરા જકાતનાકા પાસે આવેલ નેશનલ હાઇવે રોડની બાજુના સર્વિસ રોડ પર રેલ્વે નાલા નીચેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા જાકીર મહમદભાઇ રાઠોડ અને નુરમામદ મકવાણા નામના બે શખ્સોએ યુવકનો રીક્ષા વડે પીછો કરી તેને રોકી છરી તેમજ ધોકા વડે હુમલો કરી મૂંઢ માર્યો હતો. તેમજ અપશબ્દો બોલી અને જાનથી મારી નાખવ ની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે ગત રોજ એટલે કે, ૬ સપ્ટેમ્બરના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ઇનાયત અયુબભાઇ પીંપરવાડીયાએ ફરિયાદ નોંધાવી છે.