મોરબી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે મોરબી જિલ્લાના જલસિકા ગામ પાસેનો મચ્છુ-1 ડેમ 90% ભરાયો છે. જેને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.
તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ આંક મુજબ, ગઈકાલ સાંજે ૬ વાગ્યાથી સવારે વાગ્યા સુધીના 12 કલાકના અરસામાં મોરબી જિલ્લાના માળીયા (મી.)માં 27 MM, મોરબી શહેરમાં 32 MM, વાંકાનેરમાં 10 MM અને હળવદમાં 23 MM વરસાદ ખાબક્યો હતો. જયારે આજે સવારે 6 વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં ટંકારામાં 9 MM, માળીયા (મી.) 17 MM, મોરબી શહેરમાં 1૩ MM અને હળવદમાં ૪ MM વરસાદ ખાબક્યો હતો. જ્યારે બીજી તરફ સેશન અધિકારી એન.વી. પટેલના જણાવ્યા અનુસાર, મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના, જલસિકા ગામ પાસેનો મચ્છુ-1 ડેમ તેની નિર્ધારિત સપાટીથી 90.12% ભરાઈ ગયો છે. અને હજુ પણ ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક ચાલુ રહેતા ડેમની નીચાણવાળા ગામોના લોકોને નદીના પટમાં અવર – જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર-શહેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસીકગઢ, લુણસરીયા, કેરાળા, હસનપર, પંચાસર, વધાસીયા, રાતીદેવળી, વાંકીયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા અને ધમલપર તેમજ મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર મળી કુલ 24 ગામોના લોકોને એલર્ટ કરાયા છે, તેમજ નદીના પટ્ટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.