મોરબીમાં અકસ્માતોના બનાવો ઉત્તરોત્તર વધી રહ્યા છે. ત્યારે અમુક ગંભીર અકસ્માતોમાં કેટલાક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે આવી જ એક ઘટના મોરબી હળવદ રોડ પરથી સામે આવી છે. જેમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક આધેડનું મોત નીપજ્યું છે. જયારે એક યુવક ગંભીર રીતે ઘવાયા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના નીચી માંડલ ગામે રહેતો રાજુભાઇ શામજીભાઇ મકવાણા નામનો યુવક ગત તા.૨૩/૧૨/૨૦૨૨ ના રોજ મોરબી હળવદ રોડ પરથી પોતાની GJ-03-CK-9167 નંબરની બાઈક પર મહેશભાઇ બાબીનભાઇ મુજારીયા નામના આધેડ સાથે પસાર થઈ રહ્યો હતો. ત્યારે GJ-36-L-3505 નંબરની અલ્ટો કારના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી ચરાડવા તથા આંદેરણા ગામ વચ્ચે ફરિયાદીની બાઇકને સામેથી આવી ભટકાડી ફરીયાદીને બન્ને પગે તથા શરીરે ઇજાઓ કરી તેમજ મહેશભાઇ બાબીનભાઇ મુજારીયાને શરીરે તથા પગમાં તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.