મોરબી-જેતપર હાઇવે રોડ ઉપર વહેલી સવારે અકસ્માત: ડમ્પરની કેબિનમાં ફસાયેલા બિહારના ૫૧ વર્ષીય ચાલકનું મોત.
મોરબી-જેતપર હાઇવે પર રંગપર ગામ નજીક રોડની વચ્ચોવચ ઉભેલા ટેન્કરની પાછળ ડમ્પર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલક મુન્ના રામાશીશ તિવારીનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટેન્કર ચાલક વાહન મૂકીને ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી-જેતપર હાઇવે પર રંગપર ગામ પાસે બાલાજી હાર્ડવેર સામે ગઈકાલ તા.૦૬/૧૧/૨૦૨૬ના રોજ રાત્રીના આશરે ૩:૩૦ વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતની નોંધાવેલ ફરિયાદ મુજબ, રાજકિશોર બાલેશ્વર યાદવ રહે. શિવાલય એપાર્ટમેન્ટ મોરબી-૨ વાળાના ટ્રકમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા મુન્ના રામાશીશ તિવારી ઉવ.૫૧ રહે. લક્ષ્મીનગર સોસાયટી શોભેશ્વર રોડ મોરબી અને મૂળ બિહારના કટીહાર જીલ્લાના વતની ડમ્પર નં. જીજે-૩૬-એક્સ-૧૫૧૪માં રંગપર ગામેથી માટી ખાલી કરીને મોરબી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રોડની વચ્ચોવચ ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઊભેલા ટેન્કર નં. જીજે-૧૮-બીટી-૬૦૭૯ની પાછળ ડમ્પર ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં ડમ્પરની કેબિનનો કચ્ચરઘાણ વળી જતાં ચાલક મુન્ના તિવારી અંદર ફસાઈ ગયા હતા. તેમને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને જમણો હાથ પણ ગંભીર રીતે છુંદાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ટ્રક માલિક રાજકિશોર યાદવ સ્થળ પર પહોંચ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, ૧૦૮ના કર્મચારીઓએ તપાસીને મુન્ના તિવારીને મૃત જાહેર કર્યા હતા. હાલ મોરબી તાલુકા પોલીસે આરોપી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






