પૈસા કમાવાની લાલચમાં અમુક તત્વો કાઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે પછી ગુનેગાર બનવું પડે તો બને છે અને નકલી પોલીસ પણ બને છે ત્યારે મોરબી એ.સી.બી ની ટીમ દ્વારા દસાડાથી માલવણ ચોકડીની વચ્ચેથી ટ્રક તથા અન્ય વાહનો પાસેથી નકલી પોલીસ બની તોડપાણી કરતા ત્રણ ઈસમોને પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, એસીબી મોરબીને ટોલ ફી નંબર-1064થી માહિતી મળેલ કે, દસાડાથી માલવણ ચોકડીની વચ્ચે ટ્રક તથા અન્ય વાહનોને હેરાન કરી વાહનો પાસેથી રૂ.100/- થી રૂ.1000/- સુધીની ગેરકાયદેસર લાંચની માંગણી કરી પૈસા પડાવે છે. “જે મળેલ આધારભુત માહિતીની ખરાઈ કરવા મોરબી એસીબી પીઆઈ જે.એમ.આલ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવા ડીકોયરનો સહકાર મેળવી છટકુ ગોઠવ્યું હતું જે દરમિયાન સહકાર આપનાર ડીકોયર પાસેથી પોલીસ તરીકેની ઓળખ આપી વાહન રોકી મયુદિન કેશુભાઈ સોલંકી નામના શખ્સે રૂ.200/-ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ ગયેલ અને સ્થળ ઉપરથી ઇમરાન અબ્દુલ ઢમઢમા તથા અવેશ સીકંદર પરમાર નામના ઈસમો પકડાયા હતા. તથા તેઓની પાસેથી પોલીસે ત્રણ મોબાઈલ રૂ.16000 /-ની કિંમતના તથા આગળ પોલીસનું બોર્ડ લગાવેલ અલ્ટો કાર જેની કિંમત રૂપિયા 70000 /-તથા રોકડા રૂપિયા 20,810/- કબ્જે કરી આરોપીઓની અટકાયત કરી છે.