મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે અગિયાર જેટલા ઈસમોએ “અમારા વિષે ખોટી વાતો કરો છો” કહી ત્રણ શખ્સો પર હુમલો કર્યો હતો. જેને પગલે તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબીના વેજીટેબલ રોડ પંચમુખી હનુમાનજીના મંદિર પાછળ રહેતા હનીફભાઇ હબીબભાઇ જામમીયાણા નામના યુવકના ભાઇઓ સાથે હાજીભાઇ સીદીકભાઇ ખોળે “અમારા વિષે ખોટી વાતો કરો છો” તેમ કહી બોલાચાલી કરેલ હોય બાદ ફરિયાદીના બંને ભાઈઓ વેજીટેબલ રોડ ભીમસર તરફ જવાના રસ્તા પાસેથી નીકળેલ ત્યારે તેઓને ઉભા રખાવી હાજીભાઇ સીદીકભાઇ ખોળ, હાજરાબેન હાજીભાઇ ખોળ, અસલમભાઇ હાજીભાઇ ખોળ, શાહરૂખભાઇ હજીભાઇ ખોળ, અલ્તાફ હાજીભાઇ ખોળ, હાજીભાઇનો સાળો રફીકભાઇ, અનીશભાઇ હુશેનભાઇ સંધી, રીયાજભાઇ ગુલામભાઇ જેડા, સાહીલભાઇ અસગરભાઇ જેડા તથા બીજા બે અજાણ્યા માણસોએ ગેર કાયદેસર મંડળી રચી કુહાડી, પાઇપ, ધોકા જેવા હથીયારો ધારણ કરી ફરિયાદી હનીફભાઇ તથા તેમના ભાઈઓને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી શરીરે આડેધડ માર મારી ફરિયાદીના ભાઈ સલીમભાઇને પગમા ફેકચર તથા માથામા ઇજા કરી તથા ફરિયાદીને માથામા સામાન્ય ઇજા કરી તથા તેના અન્ય ભાઈ વલીમામદભાઇને કુહાડીથી આંખ પાસે ઇજાઓ કરી તથા ફરિયાદીના એકટીવામા તોડફોડ કરી નુકશાની કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.