મોરબી-માળિયા હાઇવે ઉપર મોરબીના સોખડા ગામ પાસે ટ્રક ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર રાજકોટના બે યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થયો હતો. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટનાં રૈયા ચોકડી શીવમપાર્ક શેરી નં ૧ ખાતે રહેતા સુરેશભાઇ ત્રબંકલાલ ગાંધીનો દીકરો જીજ્ઞોશભાઈ સુરેશભાઈ ગાંધી તેનાં મિત્ર અમિતભાઇ વિજયભાઈ જોશી સાથે પોતાની GJ-10-AH-8615 નંબરની બજાઝ કંપનીની પ્લસર મોટર સાયકલ લઈ મોરબી-માળિયા હાઇવે રોડ સોખડા ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે GJ-12-Z-2306 નંબરનાં ટ્રકના ચાલકે ટ્રક ટેલર પુર ઝડપે ચલાવી જીજ્ઞેશભાઇ સુરેશભાઇ ગાંધીની મોટર સાયકલને હડફેટે લઇ અકસ્માત કરતા બન્નેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તેમજ અકસ્માત સર્જી ટ્રક ટેલર મુકી ટ્રકચાલક ફરાર થયો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતક જીજ્ઞેશભાઇના પિતાએ ફરિયાદ દાખલ કરાવી છે.