મોરબી કંડલા બાયપાસથી નાની વાવડી ગામ સુધી રાજ્ય ધોરી માર્ગને ફોરલેન રૂપાંતર કરવાની માંગ સાથે મોરબી તાલુકા પંચાયતના સદસ્ય કાંતિલાલ દેવસીભાઈ પડસુબિયા દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી કંડલા બાયપાસથી નાની વાવડી ગામ સુધી રાજ્ય ધોરી માર્ગને ફોરલેનમાં રૂપાંતર કરવાની તાતી જરૂરિયાત છે.નાની વાવડી ગામથી અમરણ ગામ સુધીનો રોડ હાલમાં ખૂબ જ સાંકડો અને બિસ્માર હાલતમાં છે. આ રોડ વર્ષ 2012માં બનાવ્યો હતો. ત્યારે હવે નાની વાવડીથી આમરણ સુધીમાં રોડ 10 મીટર પહોળો કરવો જરૂરી છે. મોરબીથી આમરણ સુધીમાં 15 ગામો આવેલા છે. જેમાં પુષ્કળ પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે.આ રોડ ઉપર પાંચ યાત્રાધામ જેવા કે, કબીર આશ્રમ, દશામાંનું મંદિર નાની વાવડી ખાતે અને નકલક ધામ બગથળા ખાતે તેમજ ખીમ સાહેબ , દાવલશા પીરની દરગાહ અમરણ ખાતે આવેલ છે.આ જરૂરિયાતોને ધ્યાનમાં લઈને કંડલા બાયપાસથી નાની વાવડી ફોરલેન તથા નાની વાવડીથી આમરણ સુધી 10 મીટરનો હેવી રોડ બનાવવાની માંગણી કરી છે.