મોરબી જિલ્લામાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના મોરબી માળીયા હાઇવે પરથી સામે આવી છે. જેમાં ટીંબડી ગામના પાટીયા પાસે એક ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. જેને લઈ તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ ઈજાગ્રસ્તના મિત્ર દ્વારા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીના જેતપર રોડ મનીશ કાંટાની સામે શ્રીગાયત્રી ઇન્સોલેશન પીપળી ખાતે રહેતા ધીરજભાઇ ત્રિકમભાઇ સોલંકીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી કે, તેમનો મિત્ર કાંતીલાલ રતિલાલ નકુમના પોતાની GJ-24-AL-7310 નંબરની મોટરસાઇકલ લઈ મોરબી માળીયા હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે RJ-07-GD-5907 નંબરના ટ્રક ટ્રેઇલરનાં ચાલકે પોતાનું ટ્રક પુરપાટ ઝડપે ચલાવી આવી કાંતીલાલ રતિલાલ નકુમના મોટરસાઇકલને હડફેટે લેતા કાંતિલાલને માથામા કપાળના ભાગે તથા ડાબી આંખા ઉપર તથા ડાબા હાથમા તથા ડાબા પગમા ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.