દિવેલાઓમાં થતી જીવાતોનું નિવારણ થાય તે માટે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
દિવેલામાં સફેદમાખી ન થાય તે માટે દિવેલા સીઓ-૧ અને ઈસી – ૧૦૩૭૪૫ જાતો જ્યારે તડતડીયા સામે પ્રતિકારક જાતોનું વાવેતર કરવા વી.એચ. ૬૦ ૨૧, વી.એચ. ૬૪, એસકેઆઈ-૩. જેઆઈ-૯૪, વીએચ ૭૦ ૧/૧નું વાવેતર કરવુ જોઈએ.
દિવેલામાં જીવાતોનો ઉપદ્રવ શરૂઆતમાં ઓછો હોય ત્યારે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫૪ અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બ્યુવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.
દિવેલામાં ચાવીને ખાનારી જીવાતો નું નિયંત્રણ કરવા માટે દિવેલાની કાપણી બાદ ઉંડી ખેડ કરવી જેથી સૂર્યના સખત તાપથી તેમજ પક્ષીઓના ખાઈ જવાથી જીવાતના કોશેટા નાશ પામે છે.
દિવેલાની વાવણી ઓગષ્ટના પ્રથમ પખવાડીયામાં કરવાથી ઘોડિયા ઇયળનો ઉપદ્રવ ઓછો રહે છે. દિવેલાની ઘોડીયા ઈયળ, પાન ખાનારી ઈયળ અને કાતરાની પુખ્ત ફૂદીઓને આકર્ષવા પ્રથમ વરસાદ બાદ ખેતરમાં પ્રકાશ પિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને કેરોસીનવાળા પાણીમાં ભેગા કરીને અથવા તાપણાં કરી નાશ કરી શકાય. કાતરા અને સ્પોડોપ્ટેરાના ઈંડાં અનુક્રમે શેઢા-પાળા ઉપર ઉગેલ ઘાસ અને દિવેલાના પાન પર જથ્થામાં મુકાતા હોય છે. આથી ઈંડાના સમૂહ તેમજ પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહ સાથે પાંદડાને વીણી લઈને નાશ કરવો. મોટા કદની ઘોડીયા ઈયળો અને લશ્કરી ઈયળોને શક્ય હોય ત્યાં સુધી હાથથી વીણી લઈ નાશ કરવો. ખેતરમા દિવેલાની ઘોડીયા ઈયળની ફૂદીઓની હાજરી જણાતા ટ્રાયકોગામા નામની ભમરીઓ દર અઠવાડીયે એક લાખ પ્રમાણે હેકટર દીઠ છોડવાથી સારુ પરિણામ મળે છે. બેસીલસ થુરેન્જીન્સીસ નામના રોગપ્રેરક જીવાણુનો પાવડર ૧ થી ૧.૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર જરૂરીપાણીના જથ્થામાં ઉમેરી બીજી કે ત્રીજ અવસ્થાની ઘોડીયા અને સ્પોડોપ્ટેરાની ઈયળો જોવા મળે ત્યારે છટકાવ કરવો. સ્પોડોપ્ટેરાનું ન્યુકિલઅર પોલીહાડ્રોસીસ વાયરસ ૨૫૦ ઈયળ એકમ જરૂરી પાણીના જથ્થામા ઉમેરી હેકટર વિસ્તારમાં છાંટવાથી આવી ઈયળોમાં રોગ લાગુ પડતા સારુ નિયંત્રણ મળે છે. ઘોડીયા ઈયળ અને કાતરાના એન.પી.વી. થી પણ પ્રોત્સાહક પરિણામો મળે છે. દિવેલાની ઘોડીયા ઈયળનું પ્રમાણ વધારે હોય કીટકભક્ષી પક્ષીઓ જેવા કે મેના, વઈયા, કાળીયોકોશી વગેરે પક્ષીઓને આકર્ષવા લાકડાના ૮ થી ૧૦ ફૂટ લાંબા ૩૦ થી ૪૦ બેલાખડા પ્રતિ હેકટરે ખોડવા જોઈએ.
આ અંગે વધુ જાણકારી મેળવવા આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ કે.વી.કે./ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(.વિ)/નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.