મોરબી જિલ્લામાં ગઈકાલે બે અકાળે મોતના બનાવો નોંધાયા છે. જેમાં એક યુવકે ટ્રેક નીચે આવી જઈ જિંદગી ટૂંકાવી હતી. જયારે એક આધેડનું ઝેરી જાનવર કરડી જતા મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં, એક અજાણ્યા પુરુષે કોઇ કારણસર વાંકાનેર રેલ્વે-સ્ટેશન વચ્ચે સોમનાથ અમદાવાદ સીટી એક્સપ્રેસ ટ્રેન નીચે કપાઈ જઈ આપઘાત કર્યો હતો. જે બનાવની જાણ થતા વાંકાનેર સીટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી યુવકની ઓળખ મેળવવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજા બનાવમાં, હળવદમાં ગોલાસણ ગામની સીમમાં આવેલ વલ્લભભાઇની વાડીમા રહેતા રમેશભાઇ છનાભાઇ તડવી નામના આધેડને ગત તા.૦૮/૦૮/૨૦૨૩ ના રોજ ગોલાસણ ગામ સીલ વલ્લભભાઇની વાડીમા રાત્રીના સમયે પથારીમા સુતા હોય ત્યારે ઝેરી જનાવર કરડી જવાથી સારવારમા હળવદ સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવેલ જ્યાંથી તેને વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવેલ હોય જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે આધેડને મૃત જાહેર કરી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.