હજુ થોડો સમય પહેલા જ જૂનાગઢ માં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી ત્યાર બાદ ભાવનગરમાં પણ કોમ્પલેક્ષ ધરાશાય થયું હતું અને અનેક જગ્યાએ આ પ્રકારના બનાવો સામે આવી ચૂક્યા છે.ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડમાં ત્રણ માળીયા ક્વાર્ટર ખુબજ જર્જરિત હાલતમાં છે જેમાં ના એક ક્વાર્ટર ના સ્લેબ નો ભાગ આજે તૂટી પડ્યો છે.
અગાઉ આ ત્રણ માળિયાના રહિસીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરી દેવામાં આવી છે અને આ મામલે ત્રણ માળીયા ક્વાર્ટર ના સભ્યોની કમિટી પણ બનાવી છે.અને હાઉસિંગ બોર્ડ ના અધિકારીઓ પણ આ ક્વાર્ટર ના રહીશો ને નોટીસ પાઠવી ગયા છે. અને રહીશો એ હાઉસિંગ બોર્ડના અધિકારીઓને તમામ પ્રકારે સહયોગ આપવા સહમતી પણ આપી છે. છતાં પણ હજુ સુધી આ ક્વાર્ટર મામલે કોઇ કાર્યવાહી કરાઇ નથી.અંદાજિત ૧૫૦૦ થી વધુ લોકો આ જર્જરિત ક્વાર્ટરમાં રહે છે અને આજે પણ કમ્યુનિટી હોલ ની બાજુમાં આવેલ જર્જરિત ક્વાર્ટર ની એક છત નો થોડો ભાગ તૂટી પડતા નીચેના બ્લોક નં.૩૯૮ ના મકાન પર પડ્યો હતો અને પતરા તોડીને કાટમાળ સીધો રૂમમાં પડ્યો હતો અને આ ઘર વિપુલભાઈ ગજ્જર નામના વ્યક્તિ પોતાના સાત લોકોના પરિવાર સાથે રહે છે.જોકે તે રૂમમાં કોઈ વ્યક્તિ ન હોવાથી જીવ બચ્યો હતો પરંતુ જો કોઈ વ્યક્તિ નીચે હોય અને આટલી ઊંચાઈ થી આરસીસી નો ભાગ તૂટી પડે તો તે વ્યક્તિના જીવ પણ જઈ શકે છે.જેથી હવે આ જર્જરિત ક્વાર્ટર મામલે તાત્કાલિક કોઈ નિર્ણય કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી રહીશોએ માંગ કરી છે.