Wednesday, October 14, 2026
HomeGujaratમોરબી રેન બસેરામાં નવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી

મોરબી રેન બસેરામાં નવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી

મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહમાં ગરબા-આરતી સાથે ઉત્સવની ઉજવણી, ૧૧ આશ્રિત દીકરીઓને અપાઈ વિશેષ ભેટ

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આશ્રિતો માતાજીની આરતી, સ્તુતિ અને ગરબામાં જોડાઈ રહ્યા છે, જ્યારે સેવાભાવી ગ્રુપની સહભાગિતાથી સામાજિક સમરસતા અને પારિવારિક વાતાવરણનું નિર્માણ થઈ રહ્યું છે.

મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તા. ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ માતાજીના ગરબાની સ્થાપના અને જયઘોષ સાથે નવરાત્રી પર્વની શુભ શરૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) અંતર્ગત શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણીના માર્ગદર્શન હેઠળ UCD શાખા સાથે સંકલન કરીને આશ્રયગૃહનું સંચાલન કરવામાં આવે છે. આશ્રયગૃહમાં ઘરવિહોણા અને નિરાધાર લોકોને આશ્રય, બંને સમયનું ભોજન, ચા-નાસ્તો અને કપડાં સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. આશ્રિતોને ઘર જેવું વાતાવરણ મળી રહે તે માટે વિવિધ તહેવારોની સામૂહિક ઉજવણી પણ કરવામાં આવે છે.

નવરાત્રી દરમિયાન આશ્રિતો દરરોજ ભક્તિભાવપૂર્વક માતાજીની આરતી અને સ્તુતિ કરે છે તેમજ ઉત્સાહભેર રાસ-ગરબાની રમઝટ બોલાવી માતાજીની આરાધના કરે છે. આ પ્રસંગે આશ્રયગૃહની કુલ ૧૧ આશ્રિત દીકરીઓને વિશેષ ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી છે. આ ઉપરાંત, મોરબી શહેરનાં વિવિધ સેવાભાવી ગ્રુપના સભ્યો પણ આશ્રયગૃહ ખાતે ઉપસ્થિત રહી આશ્રિતો સાથે ગરબે રમે છે અને સામાજિક સમરસતા તથા કોમી ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપે છે. નવરાત્રી પર્વની ઉજવણી સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે મહાનગરપાલિકાના UCD વિભાગના માર્ગદર્શન હેઠળ આશ્રયગૃહના મેનેજર, સિનિયર કેરટેકર સહિતની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. આશ્રયગૃહમાં યોજાતી આ ઉજવણી આશ્રિતો માટે પારિવારિક હૂંફ અને સામાજિક એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!