મોરબીમાં દારૂના વિક્રેતાઓ પર મોરબી જિલ્લા પોલીસે બાઝ નજર રાખી તેમનાં પર એક બાદ એક રેઈડ કરાવામાં આવી રહી છે. તેમાં છતાં આ ઈસમો જાણે સુધારવાનું નામ જ ન લઈ રહ્યા હોય તેમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે. જેના વિરોધમાં આજરોજ ભડીયાદ- જવાહર ગ્રામ પંચાયત હેઠળ પેટા વિસ્તારમાં આવતા જીવરાજ પાર્ક સોસાયટીના રહીશોએ જિલ્લા પોલીસ વડાને મળી આવા ઈસમોને રોકવા રજૂઆત કરી હતી.
ભડીયાદ- જવાહર ગ્રામ પંચાયત હેઠળ પેટા વિસ્તારમાં આવતા જીવરાજ પાર્ક સોસાયટીના રહીશોએ જિલ્લા પોલીસ વડાને મળી તેમના વિસ્તારમાં તથા દારૂના વેચાણને લઈ રજુઆત કરતા જણાવવા આવ્યું હતું કે, તેમના વિસ્તારની આજુબાજુમાં આવેલા દારૂના અડા અને દારૂ પીને આવતા જતા આવારા તત્વો તેમના વિસ્તારમાં લુખ્ખાગીરી કરે છે. જેને લઇ વિસ્તારવાસીઓમાં ભયનો માહોલ ફેલાયેલો રહે છે. આ દૂષણ ઘણા સમયથી આજુબાજુમાં ચાલી રહેલું હોય જેથી આના માટે કાયદાકીય કડક પગલાં લેવા રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ રહીશો દ્વારા વધુમાં જણાવાયું હતું કે, ઘણી વખત રજૂઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જેથી આવા ઈસમોને કડકમાં કડક કાર્યવાહી કરી તેઓને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે.