રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે માળીયા મી.ના સરવડ ગામ પાસેથી વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતા ટ્રકે મોટરસાઈકલને હડફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જયારે આરોપી અકસ્માત સર્જી નાશી જતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં વાવડી રોડ ભગવતીપરા ખાતે રહેતા દાનાભાઇ જશાભાઇ ટોયટાએ સરવડ ગામ પાસે સર્જાયેલ અકસ્માતને લઇ માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગઈકાલે તા.૨૮/૧૨/૨૦૨૩ ના સાંજના સમયે GJ-07-UU-3238 નંબરનાં ટ્રકના ચાલકે પોતાનું ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે રોંગસાઇડમા ચલાવી GJ-36-N-2375 નંબરની મોટરસાઈકલના ચાલક રમેશભાઇ ભલાભાઇ ટોયટાને ઠોકર મારતા તેને મોટરસાઈકલ ધડાકાભેર નીચે પછડાઈ હતી. જેના કારણે રમેશભાઇને કપાળના ભાગે તથા આંખના ભાગે તથા જમણા હાથમા તથા પગમા ગંભીર ઇજા થયેલ હતી અને ડાબો પગ કપાય જતા તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જયારે આરોપીનાં ટ્રકમા સાથે બેઠેલ અન્ય ઇસમને માથા ભાગે તથા શરીરે ઇજા થતા ટ્રક ડ્રાઇવર ટ્રક મુકી નાશી જતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.